Janta Ki Awaz
अन्य राज्य

કર્ણાવતીમાં પ્રેસ કોન્ફરન્સ : અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાદ સંઘકાર્યના વિસ્તરણ અને સેવાપ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી

કર્ણાવતીમાં પ્રેસ કોન્ફરન્સ : અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાદ સંઘકાર્યના વિસ્તરણ અને સેવાપ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી
X

રિપોર્ટ : વિજય તિવારી

કર્ણાવતી (અમદાવાદ) ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તાજેતરમાં બંગલુરુમાં યોજાયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના મહત્વપૂર્ણ મુદ્દાઓ, સંઘકાર્યના વિસ્તરણ અને સમાજસેવાના વિવિધ આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ગુજરાત પ્રાંતના પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું કે 13 થી 15 માર્ચ 2026 દરમિયાન બંગલુરુમાં યોજાયેલી આ પ્રતિનિધિ સભામાં સંઘના કાર્યની સમીક્ષા તેમજ આગામી સમયની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે સહિત વિવિધ સંગઠનોના કુલ 1487 પ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંઘની પરંપરા મુજબ બેઠકની શરૂઆત ભારતમાતાને પુષ્પાંજલી અર્પણ કરીને અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજજીવનના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર દિવંગત મહાનુભાવો પ્રત્યે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

દેશભરમાં સંઘકાર્યનો વ્યાપ સતત વધી રહ્યો છે

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘના કાર્યમાં નોંધપાત્ર વધારો થયો છે અને સમાજના વિવિધ વર્ગોમાં જોડાણ વધ્યું છે. હાલમાં સમગ્ર દેશમાં સંઘની કુલ 1,34,766 શાખાઓ કાર્યરત છે. તેમાં 88,949 દૈનિક શાખાઓ, 32,606 સાપ્તાહિક મિલન અને 13,211 સંઘ મંડળીઓનો સમાવેશ થાય છે.

ગયા વર્ષની તુલનામાં સંઘકાર્યમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. દૈનિક શાખાઓમાં 5820નો વધારો થયો છે, જ્યારે સાપ્તાહિક મિલનમાં 459 અને સંઘ મંડળીમાં 1120નો વધારો નોંધાયો છે. સંઘકાર્ય હવે માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગ્રામ્ય અને દૂરદરાજના વિસ્તારોમાં પણ વિસ્તરી રહ્યું છે.

સમાજસેવાના 96 હજારથી વધુ પ્રોજેક્ટ

સંઘ તથા તેની ભગિની સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સેવાપ્રવૃત્તિઓ ચાલી રહી છે. હાલમાં દેશભરમાં કુલ 96,045 સેવાકાર્યો કાર્યરત છે.

આ સેવાકાર્યોમાં 45,931 શિક્ષણ ક્ષેત્રે, 15,632 આરોગ્ય ક્ષેત્રે, 16,594 સ્વાવલંબન સંબંધિત પ્રવૃત્તિઓ અને 17,888 સામાજિક જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશભરની 15,680 સંઘ શાખાઓ સીધા સેવા ઉપક્રમો સાથે જોડાઈને સમાજમાં કાર્ય કરી રહી છે.

ગુજરાતમાં સંઘકાર્યનું વિસ્તરણ

ગુજરાતમાં પણ સંઘકાર્ય સતત વિસ્તરી રહ્યું છે. હાલ રાજ્યમાં 1610 દૈનિક શાખાઓ, 1270 સાપ્તાહિક મિલન અને 1133 સંઘમંડળી કાર્યરત છે.

આ શાખાઓમાં જોડાયેલા સ્વયંસેવકોમાં આશરે 60 ટકા વિદ્યાર્થી વર્ગનો સમાવેશ થાય છે, જ્યારે 40 ટકા વિવિધ વ્યવસાય અને ક્ષેત્રોમાં કાર્યરત લોકો છે.

સેવા પ્રવૃત્તિઓના દૃષ્ટિકોણથી ગુજરાતમાં સંઘ અને તેની ભગિની સંસ્થાઓ દ્વારા કુલ 2688 સેવાકાર્યો ચાલી રહ્યા છે.

ગૃહસંપર્ક અભિયાન : 10 કરોડથી વધુ પરિવારો સુધી પહોંચ

સંઘ દ્વારા ચલાવવામાં આવેલા ગૃહસંપર્ક અભિયાન દ્વારા દેશભરમાં વિશાળ સ્તરે સમાજ સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 3.89 લાખ ગામો અને શહેરો તેમજ 31 હજાર વિસ્તારોમાં 10.02 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

આ અભિયાન દરમિયાન સ્વયંસેવકોએ સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ કર્યો અને સામાજિક સમરસતા તેમજ ‘પંચ પરિવર્તન’ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. ખાસ નોંધનીય બાબત એ છે કે આ અભિયાન દરમિયાન 55 હજાર મુસ્લિમ પરિવારો અને 54 હજાર ખ્રિસ્તી પરિવારો સાથે પણ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો.

દેશભરમાં 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન

સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન યોજાઈ ચૂક્યા છે. આ કાર્યક્રમો અરુણાચલ પ્રદેશથી લઈને આંદામાન અને નિકોબાર સુધી દેશના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહભેર યોજાઈ રહ્યા છે.

ઐતિહાસિક પ્રસંગો નિમિત્તે વિશેષ કાર્યક્રમો

પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે સીખ ધર્મના નવમા ગુરુ ગુરુ તેગ બહાદુર સિંહ ના 350મા બલિદાન દિવસના અવસરે દેશભરમાં 2000થી વધુ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 7 લાખથી વધુ લોકો જોડાયા હતા.

તે ઉપરાંત રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી સમયમાં સંત શિરોમણિ ગુરુ રવિદાસ ના 650મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે દેશભરમાં ભવ્ય કાર્યક્રમો યોજવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.

સંઘની રચનામાં વિકેન્દ્રીકરણ તરફ પગલું

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વધુમાં જણાવાયું કે સંઘની સંગઠનાત્મક રચનાને વધુ અસરકારક બનાવવા માટે વિકેન્દ્રીકરણ તરફ આગળ વધવાનો વિચાર કરવામાં આવ્યો છે. હાલમાં સંઘની દૃષ્ટિએ દેશભરમાં 46 પ્રાંતો કાર્યરત છે.

આગામી સમયમાં પ્રાંતના સ્થાને સંભાગ આધારિત નવી રચના અમલમાં મૂકવાની યોજના છે. તેના અનુસંધાને દેશભરમાં 80થી વધુ સંભાગ રચાશે, જેના કારણે સંઘકાર્ય વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે આગળ વધી શકશે.

Next Story
Share it